‘અરે સુજાતા… ઓ સુજાતા ! શું કરે છે તું ક્યારની ? મેં તને ક્યારનું ય કહ્યું છે કે આટલું શાક સમારી આપ પણ હજી તું રસોડામાં આવી નથી… પછી ક્યારે રસોઈ તૈયાર થશે ? તારા પપ્પને આજે વહેલા જમીને જવાનું છે…’
‘મમ્મી… એક બે મિનિટ… આ છેલ્લો દાખલો કરું છું…’
‘કોણ જાણે… હવેનાં છોકરાંઓ જાણે નવાઈનાં ભણે છે. ભણતા હોય એટલે જાણે કાંઈ કામનાં જ નહીં. અમેય ભણતા હતાં પણ આવું નહીં…. સવાર-સાંજ રસોઈ પણ કરતાં અને ભણતાં પણ ખરાં અને ત્યારે સારે નંબરે પાસ પણ થતાં.’
‘મમ્મી પ્લીઝ, હવે તું બે મિનિટ શાંત રહીશ ? મારે આ દાખલામાં ભૂલ આવે છે… પ્લીઝ મમ્મી….’
‘એ પ્લીઝ હું સાંભળવાની નથી. તું જલદી રસોડામાં આવ. મને કેટલું મોડું થાય છે તે ખબર છે ? હમણાં પપ્પા જમવા પણ આવી જશે…’ સ્મિતાબહેન બોલ્યાં.
સ્મિતાબહેનનો ગુસ્સો વધતો જતો હતો અને આ ગુસ્સો સાંભળી સંજયભાઈએ પૂજામાંથી અધવચ્ચે ઊઠવું પડ્યું. તેમને લાગ્યું કે, ક્યાંક આજે સવારના પહોરમાં જ મા-દીકરી સામસામાં ટકરાઈ જશે તો બધાંયનો આખો દહાડો બગડશે અને એટલે તેમણે સ્મિતાબહેનને ઠંડા પાડવાનો પ્રયત્ન કરતાં કહ્યું :
‘સ્મિતા… એમાં આટલી અકળાઈ શું જાય છે ? બિચારી દાખલો તો પૂરો કરે કે નહીં ? છોકરાં ભણતાં હોય તો કામનું થોડું વહેલું મોડું પણ થાય. એમાં આટલી અકળાય છે શું કરવા ? મને શાક વિના ચાલશે, બસ ! અથાણું આપી દેજે…’
‘હા… તમને તો જ્યારે જુઓ ત્યારે સુજાતા બિચારી જ લાગે છે… ના, ના… એની પર હેત તો ફકત તમને જ વરસી જાય છે. એને કંઈ પણ કહું કે વચ્ચે તમે ઉપરાણું લીધું જ હોય ને ! આમ ને આમ છોકરીને ફટવી મૂકી છે…. પણ જોજો પછી ન પસ્તાવ તો મને કહેજો. ગમે તેટલું ભણશે તોય આ ભઠિયારો કૂટ્યા વિના કાંઈ ચાલવાનું છે ! એ ય શીખવું પડશે જ ને !…. અને એટલે હું અત્યારથી જ તને રસોઈમાં જોતરું છું… મારા સ્વાર્થ માટે નહીં. હાં, મને કાંઈ કામનો કંટાળો નથી. એમ તો હું બધુંય કરું જ છું ને ! પણ આ નાનપણથી જો કામની ટેવ ન પાડું તો સાસરે જઈને એ શું કરશે ? સાસરે કાંઈ સાસુ બેસાડી નહીં રાખે. અત્યારથી આ ટેવ ન પાડું તો પછી રડવાના દિવસો જ આવે ને !’
‘પણ એટલા માટે એને અત્યારથી શું કામ સતાવે છે ? બધું વખત આવે થઈ પડશે. તારી પાસે તેને શાંતિથી જીવવા દે…’ સંજયભાઈએ સ્મિતાબહેનને શાંત પાડવા ફરી પ્રયત્ન કર્યો. પણ સ્મિતાબહેનની કમાન તો વધુ જોરથી ઊછળી.
‘હાં…હાં.. એ ક્યાં મારી દીકરી છે તે મને એનું દાઝવાનું હતું ! હું તો જાણે એની મા જ નહીં હોઉં ને ! તમે એકલા જ એના હિતેશ્રી છો, નહીં ! ના, ના, જન્મી ત્યારથી એની બધી પળોજણ તો મેં કરીને એને મોટી કરી… મને એ વ્હાલી નહીં હોય ! પણ છોકરીની જાત છે, કામની ટેવ પણ પાડવી તો પડે જ ને !…. કડવા ઘૂંટડા તો માએ જ પાવા પડે ને ! સાસરે કાંઈ સાસુ પંપાળવાની નથી. અત્યારે ઘડાઈ હશે તો તેનું ભવિષ્ય સુધરશે, એ કંઈ મને દુશ્મન નથી લાગતી, સમજ્યા ?’ ને સ્મિતાબહેન એકદમ રડી પડ્યાં….. ને એમને રડતાં જોઈ સામે સુજાતા પણ હીંબકા ભરવા માંડી. સંજયભાઈ તો મૂંઝાયા. બેમાંથી કોને શાંત પાડવાં ? કોને સાંત્વન આપવું ?
કિશોર અવસ્થામાં દીકરી હોય ત્યારે ઘણાંબધાં ઘરોમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેમાં ક્યારેક પિતા માટે સમસ્યા ઊભી થાય છે કે, માને સમજાવવી કે દીકરીને ? દીકરી તો કિશોર અવસ્થામાં હોય એટલે એની માનસિક પરિસ્થિતિ તો નાજુક હોય જ, તેનામાં શારીરિક ફેરફારો શરૂ થતાં જ તેનામાં કેટલી લાગણીઓ પણ જાગ્રત થાય છે, તેનો ‘અહમ’ પ્રબળ બને છે… તેનામાં સ્ત્રીત્વ પ્રગટે છે, તેને તે પોતે મોટી લાગવા માંડે છે અને એટલે હવે તેન કોઈ વઢે કે ધમકાવે તે તેનાથી સહન થતું નથી… તેને થાય છે કે ‘હવે હું નાની નથી કે મમ્મી મને ફાવે તેમ ધમકાવી નાંખે છે.’ …. ને એમ થતાં તેનામાં માના આ વર્તન માટે એક અકળામણ ઊભી થવા લાગે છે. નેગેટિવ એટિટ્યુડ સ્વરૂપ લેવા માંડે છે ને પરિનામે ‘મમ્મી આમ કહે છે !…. જા, એવું તો હું નહીં જ કરું’ એવું શરૂ થાય છે.
ત્યારે માના પક્ષે આ કાળ દરમિયાન તેનો લગભગ મોનોપોઝ પિરિયડ ચાલતો હોય છે. એટલે એની પણ લાગણીઓ ખૂબ સંવેદનશીલ બની ગઈ હોય છે, તેને પણ ડિપ્રેશન આવે છે, અકળામણ થાય છે, મૂંઝવણ થાય છે, બીજી બાજુ દીકરીના સુખી ભવિષ્યના ઘડતરની ચિંતા તેને સતત સતાવતી રહે છે અને એટલે એની પૂર્વતૈયારી રૂપે તે તેને કડપમાં રાખવાનો પ્રયત્ન કરે છે. તે વિચારે છે, એ મારું કહ્યું કેમ ન માને ? આજે મારું માનશે તો કાલે સાસરે સાસુનું કહ્યું માનશે ને ! છોકરીની જાત છે, એની ઉપર તો કડપ રાખવો સારો… મારે કાંઈ એની જિંદગી બગાડવી નથી. અત્યારે બહુ લાડ લડાવું તો કાલ ઊઠીને સાસરે સેટ જ ન થાય ને ! ત્યાં કોણ તેને લાડ લડાવવાનું છે !’
…ને આમ મા ને દીકરી સતત ટકરાતાં રહે છે. બંને એકબીજાની પ્રત્યે ધિક્કારની લાગણી સુધી પહોંચી જાય છે. બંનેના હૃદયમાં એકબીજા માટે ખૂબ લાગણી હોવા છતાં બંને એકબીજાની લાગણીને સમજી શકતાં નથી. પરિણામે એ દીકરી સાસરે ગયા પછી માનો પશ્ચાતાપ શરૂ થાય છે. ‘અરેરે ! એ બિચારી અહીં હતી ત્યારે ય મેં તેને એક્કેય દિવસ જંપીને જીવવા ન દીધી ને હવે ય એને તો આખીય જિંદગી એનું એ જ… મારી પાસે હતી ત્યારે વ્હાલથી પાસે બેસાડી માથે હાથ પણ એક્કેય દિવસ ન ફેરવ્યો. ભવિષ્યના સુખની આશાએ સુખના દિવસો હતા ત્યારે ય એને સુખેથી જીવવા ન દીધી…’
ત્યારે બીજી બાજુ દીકરીના મગજમાં નાનપણથી ‘સાસરું તો આવું જ હોય, અકારું હોય’ એવી એક ગ્રંથિ ઊભી કરી હોવાને કારણે ત્યાં તેને જે કાંઈ પ્રતિભાવો મળે છે તે બધાંને તે નેગેટિવ એટિટ્યૂડથી મૂલવે છે. તે સ્નેહ ઝંખે છે, સ્નેહ શોધે છે પણ તેનામાં રચાયેલી પેલી ગ્રંથિને કારણે તેને સઘળે નિરાશા જ દેખાય છે. સુખની શોધમાં ને શોધમાં તે સારી ય જિંદગી સતત ફાંફાં માર્યા જ કરે છે. તેના જીવનમાં એક્કેય એવું સોનેરી સ્મરણ નથી કે જેને યાદ કરી તે સુખની માત્ર અનુભૂતિ પણ માણી શકે…. આને માટે જવાબદાર કોણ ?

No comments:
Post a Comment